શ્રીજીની સામગ્રી
રસગુલ્લા
સામગ્રી:
૧ લિટર દૂધ ગાયનું (ભેંશ નું દૂધ પણ ચાલે, જુઓ નીચે નોંધ), ૨ કપ સાકર, ૩ કપ પાણી
દૂધ ફાડવા માટે : ૧ કપ પાણી, ૧/૨ ચમચી લીંબૂ ના ફૂલ
રીત:
દૂધ ફાડવા માટે પાણી અને લીંબુના ફૂલ ભેગા કરવાં. દૂધને ઉકાળવા મૂકવું. ઉપરની મલાઈ કાઢી લેવી. ઉકળતા દૂધમાં લીંબુવાળું પાણી ચમચીથી જરા જરા નાખતા જવું આમ કરવાથી દૂધ ફાટશે.પનીર-પાણી છુટાં પડશે, પાણીનો રંગ જરા લીલાશ પડતો જણાશે. તૈયાર કરેલા પનીરને ચાળણીમાં નીતારવું. ચારણીમાં જ નીતારેલા પનીરને તુરત જ ઠંડુ પાડવું. તેમ કરવા પનીરવાળી ચારણી નળ નીચે ધરી દેવી. પનીરને પોલે હાથે નીચોવી , તેને મસળીને નાના ગોળા વાળવા. પ્રેસર કૂકરમાં ૨ કપ સાકર અને ૩ કપ પાણી ઉકાળવા મૂકવું. સાકર ઓગળી જાય અને પાણી ઉકળે એટલે, પનીરના ગોળા તેમાં નાખવા. પ્રેસર કૂકર બંધ કરવું. પ્રેસરની એક સીટી વાગે એટલે ગેસ બંધ કરવો. પ્રેસર કૂકર ઠંડું પડતાં રસગુલ્લા તૈયાર.
નોંધ:
–રસગુલ્લામાં જોઈએ તો ગુલાબજળ અથવા ગુલાબનો અર્ક(એસ્સેનસે) ઠંડા પડતાં નાખી શકાય.
–જો ભેંસનું દૂધ લેવું હોય તો દૂધને ઉકાળી, ઠંડું કરીને ૬-૭ કલાકમાં ફ્રીઝ માં ખુલ્લું રહેવા દેવું. ઘટ્ટ મલાઈ કાઢી દૂધને ગાળીને પછીજ દૂધનું પનીર બનાવવું. કારણ મલાઈનું ઘી તત્વ રસગુલ્લામાં હાજર હોય તો રસગુલ્લાં ફાટી જાય છે.